Pages

Sunday, 18 December 2011

છાણીયું ખાતર


Morning Walk માં રોડેરોડ ફાટ ફાટ જતો હતો
પ્રભાતફેરી ને મારા એકલાના મનમાં નોસ્ટાલેજતો હતો

ગાય બેચાર જાહેર ખીલ્લે Fresh બાંધેલી જોતો હતો
Obviously અંદરોન્દર થી લળીને પગે લાગતો હતો

લારીમાં કોઈ હરીજન જુવાન ઘાસ હરિયાળું વેચતો હતો
એક તિલક્ધારી ડોસો પસંદગી કરી પૈસે ખરીદતો હતો

વાછરડા ની પછવાડે એક ફાળીયાધારી ગોવાળ ઉભો હતો
બીજો લાકડી ટેકી Milestone પર થી બુમો મારતો હતો

"પહેલે થી મારી ગાવડીઓ કરારે ચરતી'તી એમ કહેતો હતો "
"તું તો લુંટતો Monopoly નાં નશે ઝૂમતો હતો "

"તારા ભાગ નું ક્યા કઈ લઇ લેતો હતો , હા-હરિના ? "
"એજ તો હું સમજાવતો છું , ગજ્વાવાલો Shirt હુયે પહેરતો હતો "

ઘાસવાળો મૂછે હસી દાઢીએ ડાબો હાથ ફેરવતો હતો
બે ને છોડી ત્રીજો સસ્તો જાત મહેનત થી શોધતો હતો

વત્સ !
હું એ મગજ માં ધમ્ધમાઈને વિચાર કરતો હતો
પાપ પુણ્ય પર્યાવરણ નું ગણિત થોડું માંડતો હતો
                            -----gaurang amin

Saturday, 17 December 2011

ભિખારી – કૈલાસ વાજપેયી (અનુ. નલિની માડગાંવકર)



મેલાંઘેલાં કપડાંવાળો તે
રસ્તાના વળાંક પર
મને રોજ દેખાતો,
હું પણ ક્યારેક ક્યારેક
મારી પાસેના સિક્કાઓ
મૂકતો એની
નાનકડી હથેળીઓમાં
એ દર વખત
આભારવશ ભીની આંખોથી
આકાશ તરફ જોતો
એક દિવસ મેં છંછેડાઈને પૂછ્યું
‘અલ્યા, દેનારો તો હું છું-
અને તું ઊંચે જોઈને
કોને, શું કહે છે?’
‘જે મને આપે છે,
એને તું હજી વધુ આપ’
પીળી આંખોવાળાએ જવાબ આપ્યો.
- કૈલાસ વાજપેયી

Friday, 16 December 2011

gazal


ચોતરફ અજવાળું ઊઠી ગયું છે,
કોઈ ઘરમાં કંઈક મૂકી ગયું છે.

મેં ચણાવી એક દીવાલ ભીતર,
કોક આ દીવાલ કૂદી ગયું છે.

તું ઊછળતી એક એવી નદી છે,
મારું જેમાં વ્હાણ ડૂબી ગયું છે.

કેમ તારામાંથી હું બ્હાર આવું,
દોરડું વચ્ચેથી તૂટી ગયું છે !

ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,
એટલે એ પાન ઝૂકી ગયું છે.

ડાળ પર પડઘાય છે એક ટહુકો,
ક્યારનું પંખી તો ઊડી ગયું છે.

- અનિલ ચાવડા

Thursday, 15 December 2011

મારું એક અધૂરું શાંતિ-કાવ્ય -


 
હોમ મિનિસ્ટરના ત્રણેક ફોન
તો આવી ગયા છે
છેલ્લો તો એકદમ ટૂંકો હતો:
કવિતાની પત્તર ખાંડવાનું બંધ કરીને
 આ ગ્રોસરી સ્ટોરપરથી
મને લઈ જાવ એકદમ જલદી!
હું તો કેવો મશગૂલ હતો
એક વિશ્વશાંતિ પરની એક કવિતા લખવામાં
આખું જગત ચાહે છે શાંતિ,
શાંતિ જોઈએ છે નોકરી માટેની લાઈનો પર,
શાંતિ જોઈએ છે ગેસ સ્ટેશનો પર,
શાંતિ જોઈએ છે ફેસબુક પર
પણ શાંતિ પરની આ કવિતા
કેવી રીતે પૂરી કરું ?
જ્યારે ગ્રોસરી સ્ટોરપરથી
યુદ્ધનાં નગારાં
આમ જોર શોરથી વાગી રહ્યાં હોય !
                           -bharat trivedi

Wednesday, 14 December 2011

''મન થાય છે'' .....................ડો. હિતેષ એ. મોઢા




આજે, ફરીથી તારા પર એક નવી કવિતા લખવાનું મન થાય છે
અવનવા શબ્દો લઈ, એક નવી રંગોળી ચિતરવાનું મન થાય છે

બાળક બની જાઉં છુ તારા સાન્નિધ્યમાં તુજ પાલવ તળે પ્રિયે
ફેલાવી દે તુજ ખોળો, માથુ રાખી ઘડીભર ઉંઘવાનું મન થાય છે

કરતી નહિ નટખટ ફરિયાદ કે ના બોલીશ એક પણ શબ્દ આજે!
મોઘમ, મુલાયમ મારકણા એવા મૌનને ઉંચકવાનુ મન થાય છે

મહેંકી ઉઠ્યુ આખુ જંગલ  આખા દ્યાન તણી સુગંધો લઈને
બની જાઉ પવન, ને તારા શ્વાસ શ્વાસમા સરકવાનુ મન થાય છે

ભલે છો રહી વાયકા, ત્યાં જનારા કોઈ'દી વળતા નથી પરત
જાત છુ પ્રેમીની આથી આંખોની ખીણમાં ઉતરવાનુ મન થાય છે

તે સમર્પી દીધુ છે આખે આખુ જીવન મુજમાં પણ તે મંજુર નથી
તુજ હૈયે ઉતરી એકએક ધબકારેધબકારે ધબકવાનુ મન થાય છે

લઈને કાજળની ડબ્બી, તું કરી દે બાળ ટીકો પેલા યુવાં દર્પણને
તારી સામે જોઈ મને આઠે આઠ પ્રહર મલકવાનુ મન થાય છે

તારા ગુલાબી પગની સુંવાળી પીંડીની સંગ માણુ સંગીત સાથે
હોય પાયલ કેરો સહકાર તો મને પણ રણઝણવાનુ મન થાય છે

મારી બેફામ દિવાનગી મોહતાજ નથી મારી હયાતિની હિતેષ
એટલે તો કહી શકુ કાયમ તને તુજમાં ઓળગવાનુ મન થાય છે

ડો. હિતેષ . મોઢા

Tuesday, 13 December 2011

ઝળહળ

પત્રમાં વાદળ લખું
બસ પ્રિયે કાગળ લખું

ઘાસપર ઝાંકળ લખું
મ્હેકતી લ્યો પળ લખું

ઊંટના પગલાં ગણું
રેત પર મૃગજળ લખું

શબ્દમાં ટહુકા ભરી
સપ્તરંગી જળ લખું

આટલું તારા વિશે,
મૌનમાં ઝળહળ લખું.
- નેહા ત્રિપાઠી

Monday, 12 December 2011

એક પીંછી

એક પીંછી રંગમાં બોળી પછી,
દૅશ્યની આવી ચડી ટોળી પછી.

સાવ હળવા ફુલ જેવા થઇ ગયા,
એક ઇચ્છાને મેં ફંગોળી પછી.

ભીંત ભૂલ્યાનો થયો અહેસાસ જ્યાં,
મેં જ મારી જાતને ખોળી પછી.

એક પછી એક કાચળી ઊતરી ગઇ,
લાગણીને એમ ઢંઢોળી પછી.

એજ કરતી હોય છે સજા પછી,
આંખ બનતી હોય છે ભોળી પછી.