Pages

Wednesday, 30 November 2011

કાશ.........!હવે તો આતંકવાદ ની કબર ખોદાય.....


             

હિંદુ,મુસ્લિમ,ઈસાઈ છે માનવજાત,
આતંકી માટે આતંક જ માત્ર એક જાત,

આતંકવાદ નો આખા વિશ્વ ને કેવો ભરડો?
કે થઇ ગયો એના નામે સત્તા નો પલટો

એ રચી જાય છે સાત ભાવ નો કોરડો
માનવતા ને શોધવો પડે છે ખુદ નો  ઓરડો

લોહોયાર ખેલ આતંકી એ ખેલી
પોકળ માનવતા એને ખુલી મેલી

નથી ખ્યાલ કે કેવા ઘા હૃદયે એ ગયા ઝીંકી
કે, મલમ-પટ્ટી એથી પણ એની રૂઝ ના જડી

બુઠા કાયદો એ આતંકવાદ આજેય પોષાય
સહાય ના નામે માનવતા આજેય શોષાય

શ્રધાંજલિ ના નામે મીણબત્તી સળગી બુજાય
કાશ!હવે તો આતંકવાદ ની કબર ખોદાય
જાનકી વ્યાસ

Tuesday, 29 November 2011

એક તો જણ મળે....! (એક 'આઝાદ' ગઝલ)



તને મળવાની કોઈ તો ક્ષણ મળે,
ભલે ને મળે એક; પણ તત્ક્ષણ મળે.
સપનાઓ પહેરીને ઊભો હું રાતભર,
વાસ્તવિકતાની થોડી સમજણ મળે.
પરાયા પારકા પ્રેમના પ્રકરણ બધાં,
ક્યારેક ક્યાંક તો સાચું સગપણ મળે.
સામનો સત્યનો સૌએ કરવો જ રહ્યો,
શક્ય છે સ્વની અંદર જ દર્પણ મળે.
સુખના સમીકરણો છે નોખાં યારો,
હોય જળની આશા ત્યાં રણ મળે.
પ્રેમમાં એક દિ એવો પણ હો સનમ,
કે મારાં ઘર સામે તારું આંગણ મળે.
છે દાતાનો કેવો ચમત્કાર તે જુઓ,
કીડીને કણ મળે; હાથીને મણ મળે.
લટકે પગ કબરમાં ને લાલસા કેવી,
કે આ પણ મળે મને ને તે પણ મળે.
થઈશ ફના દેશને ખાતર હું સહર્ષ,
દરેક નવયુવાનું એવું તર્પણ મળે.
મળે છે ભીડ રોજ સમજણને સજાવી,
રાજને સમજે એવું એક તો જણ મળે.
- "રાજ" (ડો. જયરાજ દેસાઈ).

Monday, 28 November 2011

સમજાવને

લોહીભીની ઈચ્છાઓના આ રણ વિશે સમજાવને,
તુ ફાંસ ની માફક ખટકતી ક્ષણ વિશે સમજાવને

હાંફી ગયો મુક્કા લગાવી વ્યગ્રતા ના ઝુંડને,
તુજ આંગણે ટહુકાઓ ના કારણ વિશે સમજાવને

હું રાખુ છું અલ્લાહ,લે! તુ રામ રાખી લે,
હવે આ તથ્યહીન તકરાર ના તારણ વિશે સમજાવ

ને તે ઘાસ માફક વાઢતા તો વાઢી નાખ્યુ એક દિવસ,
એ છે હજુયે લીલુછમ સગપણ વિશે સમજાવને


આવી રીતે તો દોસ્ત! મારું શબ સડી જાશે હવે,
લોકોને એના મ્હેલના આંગણ વિશે સમજાવને 


તે ફૂલ તો ચુંટ્યુ હતુ હળવાશથી,
એના પછી આ બંધ મુથ્થીમા પડેલા વ્રણ વિશે સમજાવને


વર્ષો વરસ થી આ તરસ ધરબાઇ ગઇ છે રક્તમા,
ને તું કહે છે કે મને શ્રાવણ વિશે સમજાવને..?


છંદોથી દિવાળી ઉપર મે શબ્દ પ્રગટાવ્યા "પ્રણય",
આ ઉંબરે મૂક્યા દિવા બે-ત્રણ વિશે સમજાવને 
 -અનંત રાઠોડ "પ્રણય"

Sunday, 27 November 2011

કોઇ આપો


કોઇ કલમ આપો મુજને કાગળ લખવો છે,
કોઇ મલમ આપો મુજને ઝખમ ભરવો છે,

નથી આવતા હવે તો તુજના સપના પણ,
કોઇ ચાંદ આપો મુજને યાદને ધરવો છે,


હવે તો ગણાતી નથી કોઇ ધડી તુજ વીના,    
કોઇ સમય આપો મુજને પ્રેમને ભણવો છે,

પ્રેમ કરતાં ખોઇ નાખ્યુ જે હતુ પોતાનુ એક,
કોઇ હ્રદય આપો મુજને વધુ પ્રેમ કરવો છે,


સ્વર્ગ પણ તરછોડ્યુ તુજ સાથ કાજ, કહ્યુ,

કોઇ મૃત્યુલોક આપો મુજને આંટો ફરવો છે.

                                -નીશીત જોશી

Saturday, 26 November 2011

નખરાળી ગઝલ !



લીલી પીળી લાલ પેનમાં કાળી કાળી ગઝલ
એક કુંડલા ગામ અને  કલકત્તાવાળી ગઝલ !

અરધું અંગ   અને તે  ડાબું પત્ની જેવું  મળ્યું
જ્યાં લગ કોઇ કોઇ દિન આવે છે સાળી ગઝલ !

કોઇ  હાથ  હથેળી   ઉપર થપ્પડ  મારે  નહીં
તમને સંભળાઇ તે છે એક હાથની તાળી ગઝલ !

હબસીના નહીં   જન્મેલા બાળકનું પહેલું  રુદન
હોઇ શકે છે કોઇ દિવસ એક શક્તિશાળી ગઝલ !

વિખેરાઇને શબ્દકોશમા છુપાઇ ગઇ છે ‘કંવલ’
પાને-પાને   શોધું છું  હું  એ  નખરાળી ગઝલ !
- ભરત વિંઝુડા

Friday, 25 November 2011

જતાં પહેલા,



લાવને કાઢી લઉં,
કાગળો વાઢી લઉં,

હૂંફ છે ચારેતરફ,
એક ક્ષણ ટાઢી લઉં,

ચોર પકડાતો નથી,
હાથમાં દાઢી લઉં,

ચાંદ સહેવાતો નથી,
રાત આષાઢી લઉં,
      -ચિંતન શેલત

Thursday, 24 November 2011

રાત જ્યાં


રાત જ્યાં શોધવા નીકળી દિવસને નગરમાં
આંખ-મિંચોણું કરતું કૂતરું ઊભું થયું વટમાં

અણજાણ્યું ભાસિત થતા ભોંકવામાં છોડે ના કચાશ
ગલીકુંચીમાંથી પણ ભેગા કરી દે સાથીદારો પાંચ-પચાસ

પછી કંઈ બાકી રહે?

બાઇક પર નીકળેલો આપણો ગોવિંદ ભગાવે ઊંધું ઘાલીને
કુત્તા મામા પણ બોલાવે સપાટો દાવ હાથમાં ઝાલીને

આજે તો કરડું, આજે તો કરડું કહીને લગાવે રેસ
સાથીદારો પણ હોડમાં ઊતરે લઇ લેવા મનગમતો ટેસ્ટ

ક્રિષ્ના, રામ, જીસસ ગોવિંદને કુત્તા મામા યાદ કરાવે
દૂર ઊભી ઊભી રાતને એ ખડખડાટ હસાવે


ગુપચુપ આપણા ગોવિંદભાઇ ઘરનો પ્રવેશદ્વાર ઊઘાડે
ઉધડો લેવા તૈયાર ઊભેલા બાપુજી એને નસાડે

પકડદાવ પછી માંડ હાથમાં આવે પછી બાપુજી એને છોડે?
લાગ હાથમાં આવેલો જોઇ મસમોટી મૂછ મરોડે

બે લાકડીને બે ચાર ધબ્બા સાથે મફતમાં મળે ત્રણ-ચાર તમાચા
રાતને પણ ઊભા ઊભા જોવાની મજા આવે આવા કંઈક તમાશા


રૂમમાં ભરાઈને ઊંઘ ના આવે એટલે open કરે પાછો facebook
કેવો માર પડ્યો એ share કરવા upload કરે પાછો પોતાનો look

એક કહે બહુ cool look છે ને બીજો કહે ઢક્કન જેવો દેખાય
comments reply કરતા કરતા એની આંખો પણ શેકાય

Gf  જોડે chatting કરવામાં મારો બેટો વગાડે ચાર
ગોદડું ઓઢીને સૂઇ જાય આપણા ગોવિંદભાઇ તે વહેલી પડે સવાર
                                                                શૂન્યવત

Wednesday, 23 November 2011

નયનકક્ષમાં



વિચારો ન શોધો ન બોલો કશું
સતત મૌન રાખો શયનકક્ષમાં
હૃદયના અધૂરા બધા ભાવની,
થશે પૂર્તતા અધ્યયનકક્ષમાં.

ઘૂંટાશો, દબાશો, કણસતાં થશો,
થશે મૂંઝવણ, હૂંફ પણ પામશો;
મળાશે સહજ ભીતરી ભેજને,
સજળ કોઈના બે નયનકક્ષમાં !

ન ઈચ્છા ઉપર કોઈ કાબૂ રહ્યો,
રહી તો રહી એક પરતંત્રતા;
ન પામી શકું છું ન ત્યાગી શકું,
ઊભો છું નિરંતર ચયનકક્ષમાં.

દિશાઓ બની છે દીવાલો અહીં,
નથી પાંખમાં આસમાનો હવે;
દિશાશૂન્ય આંખો આ પટકાય છે,
તમસથી ભર્યા ઉડ્ડયનકક્ષમાં.
              -સ્નેહલ જોશી

Tuesday, 22 November 2011

આમંત્રણ


તમે જીવવા માટે શું કરો છો એ જાણવામાં મને રસ નથી

મારે જાણવું છે કે તમારા હૃદયમાં ઊંડી કોઈ આરત છે કે કેમ ?
અને એ ફળીભૂત થવાનું સ્વપ્ન જોવાની હામ છે કે નહિ.

તમારી ઉંમરમાં પણ મને રસ નથી.
પ્રેમ, સ્વપ્ન, અને જીવંત રહેવાના સાહસ ખાતર ગાંડા દેખાવાનું જોખમ તો ખેડી શકો છોને ?

મારે જાણવું છે કે તમે પીડા સાથે સ્વસ્થ બેસી શકો છો ?
એને છુપાવવા, ઘટાડવા ને મટાડવાના પ્રયત્નો વગર ?

મારે જાણવું છે, તમે વિશ્વાસઘાતનો આરોપ સહી શકો છો ?
પોતાના આત્માનો વિશ્વાસઘાત કર્યા વગર ?

મારે જાણવું છે કે દિનબદિન આકર્ષણના આટાપાટા વચ્ચે તમે સૌંદર્યને જોઈ શકો છો ?
એની હયાતીમાં તમારા જીવનનો સ્ત્રોત અનુભવી શકો છો ?

તમે ક્યાં, શું અને કોની પાસે ભણ્યા એમાં મને રસ નથી.
મારે જાણવું છે કે બહાર બધું જ પડી ભાગે ત્યારે અંદર તમને કોણ ટકાવી રાખે છે ?

મારે જાણવું છે કે તમે જાત સાથે એકલા રહી શકો છો ?
ખાલી ક્ષણોમાં તમારો સથવારો તમને ગમે છે ?
                               -ઋષભ પરમાર

Monday, 21 November 2011

હસ્ત-વાસ


Sunday, 20 November 2011

વ્યથા


હોઠે ચડેલા આ શબ્દો વાળી ગયો,
તોફાન ભાતરના પછી ખાળી ગયો.

બાજી હવે જે રાહ લે, મંજૂર છે;
પ્યાદા વડે હું હાર તો ટાળી ગયો.

એની પરિક્ષાઓ મને ગમતી હતી,
પણ કેમ જાણે હું જ કંટાળી ગયો.

નાચી નજર ના રાખ તું મારી તરફ,
કોનો હતો શું વાંક એ ભાળી ગયો.

આ ભેદ આંસુનો કહું કોને ખુદા,
કે પ્રેમમાં હું જાત ઓગાળી ગયો.

છે યોગ એવા કે સુરા ઓછી પડે,
તો જામ પણ આંસુ ભરી ગાળી ગયો.

ચાડી કરી ગ્યો કાફિયો મારી છતાં,
આખી ગઝલમાં છંદ હું પાળી ગયો.

રાખી હતી મેં આંખ ખુલ્લી મોત પર,
હા એટલે સાચા સગા ચાળી ગયો.
                          -ચિરાગ ત્રિવેદી 

Saturday, 19 November 2011

મા


દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.
દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.


સ્હેજ અડતાંમાં દુઃખો સામટાં થઈ જાય છે ગાયબ,
મા હથેળીમાં સતત જાદૂઈ એવો સ્પર્શ રાખે છે.


આપી દે થોડાં પતિને, આપી દે સંતાનને થોડાં,
મા સ્વયંને જીવવા તો એક પણ ક્યાં વર્ષ રાખે છે.


ઠેસ બાળકને કદી ક્યાંયે વાગે એટલા માટે,
મા સદા ચોખ્ખી ઘરની ને હૃદયની ફર્શ રાખે છે.


જો પ્રભુ સૌને જનમ આપે છે તો મૃત્યુય આપે છે,
મા તો ઈશ્વરથીય ઊંચો આગવો આદર્શ રાખે છે.


ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
- અનિલ ચાવડા

Friday, 18 November 2011

મનાવી શકો તો….



કરો યત્ન મનને મનાવી શકો તો,
નકામા વિચારો, ફગાવી શકો તો,


બિડાયેલ દ્વારો ખુલી જાય પળમાં,
સબળ કારણોને, જણાવી શકો તો,


કરે આશ પૂરી મળી જાય દૌલત,
અયાચક બની જો, કળાવી શકો તો,


સમર્થો કહે કે, મળે મોક્ષ ત્યારે,
વિષયની ગુલામી, ગુમાવી શકો તો,


પરમમાં વિહરવા અકળને કળી જો,
“સિફર” માર્ગ કપરો, સિધાવી શકો તો,


“સિફર”

Thursday, 17 November 2011

તમે

તમે તો થાવ છો રોજ ક્યારેક મને તો નારાજ થવા દો,
કહેવી છે તારા સિતમની વાત પણ આજ જવા દો.

સંધ્યાનો સમય છે મને બસ એકલો આજ તો રહેવા દો,
મને ચાંદના દીલ પરના ડાગ બેસીને તો ગણવા દો.

શું થશે હવે વધું મારું ખરાબ જે થાય તે હવે થવા દો,
છે હોઠ પર એક નામ કહે દૂનિયા દિવાનો તો કહેવા દો.

દીલમાં છે જે આગ તે બસ આંશુંથી તો બુઝાવા દો,
કરીશું ફરી દોસ્તી પણ આ જૂના ઝખ્મોને તો રૂઝાવા દો.

Wednesday, 16 November 2011

ચાંદને પત્ર


                                
રાતને જરા કહી દો, ગુમાસ્તાની હદ છે.
ભડકે બળતા સિતારાની જરા-સી મદદ છે.

કંઈ કેટલુંય કર્યા પછી હું અંધકારથી ઘેરાયો છું.
રક્તથી સિંચ્યો તો તે મને, હું ક્યાં તારો પરાયો છું?

કાલે સવારે સુરજ ઉગશે ને આમ આપણે ઉઘાડા પડી જાશું.
તું શાંત બની આથમી જઈશ, હું રઘવાયો બની દોડી જાશું.

કંઈક કેટલેય દૂર શૂન્યતાથી ઘેરાયો હશે શૂન્યવત,
તું ચાંદ બની પાછો આવજે, હું પડછાયો બની રેલાઈ જાશું.                                       -    શૂન્યવત

Tuesday, 15 November 2011

શબ્દોની માયા



પળને છળથી વળ વાળીને પણ ક્યાં કળ વળશે?
બળને દળથી સંભાળીને પણ ક્યાં જળ બળશે?
બધ્ધી શબ્દોની માયા છે, શબ્દો સ્ફોટક છે,
કળને હળથી ટીંગાડીને ખેતરમાં એ ફળશે.
મળતું હો તે લઇલે, નકર એ પણ નહીં મળે,
મળવાનું બધ્ધું ય જોકે અંતે તો મળ મળશે.
પાત્ર છે શરીર 'ને આત્મા અમૃત છે.
લાખ યત્ન કરોને તોય આખર તો એ ગળશે.
સાગર છે દેવલીયો મારો, આપણ સૌ નદીયારું,
આજે નહીં તો કાલે બધ્ધી એમાં જઈને ભળશે.
રળી રળીને બધ્ધું અહીનું રળેથી શું થાય,
ત્યાંની મુદ્રા સત્કર્મો છે,એને કોણ રળશે?
                         --ફિરોઝ કાઝી

Monday, 14 November 2011

"આપણને એક ફુલ્લ ટાઇમ શ્રોંતા જોઈએ છે "...


એક ટચુકડી જાહેર ખબર આપવી છે

"આપણને એક ફુલ્લ ટાઇમ શ્રોંતા જોઈએ છે "
લાયકાતમાં કવિ હૃદયને સમજી શકે 
એવું મન હોવું જોઈએ ..
અને કવિતા કોઈ પણ ક્ષણે સાંભળી શકે 
એવું મગજ હોવું જોઈએ ..
અનુભવમાં એણે મારા જેવા 
બે ચાર કવિઓને સાંભળેલા હોવા જોઈએ,
ને તોયે કદી મનોચિકિત્સક પાસે 
ઈલાજ માટે ન ગયા હોવા જોઈએ ...
પગાર માટે બહુ મોટી અપેક્ષાઓ 
ના હોવી જોઈએ..
મને જે મળશે એમાંથી અડધું અડધું કરીશું
તોયે બે ટંકનું ખવાનું માંડ રળીશું...
રસ ધરાવતા વ્યક્તિઓને
જે કોઈ  કવિનું સરનામું મળે ,
ઇન્ટરવ્યુ આપવા ત્યાં જઈ સત્વરે મળે ...
અને હા ,
બઢતીની આશા તો સહેજેય ના જોઈએ ..
શ્રોતામાંથી કવિ થવાના સ્વપ્ના 
થોડાય ના જોઈએ..........
જો બધા શ્રોતા કવિ બનવાના 
અભરખા રાખશે 
તો આ બિચારા કેટલી જાહેર ખબરો છાપશે??
"આપણને એક ફુલ્લ ટાઇમ શ્રોંતા જોઈએ છે "
                         -ફાલ્ગુની મહેડિયા રાવલ 

Sunday, 13 November 2011

અછાન્દસ કવિતા




વરસોવરસ લખાશે ગીત – વિમલી




વિમલી તારી યાદ

કમોસમના ઝાપાટાની જેમ

વરસી જાય છે



ક્યારેક

થોડી શીતળતા બાદ

એવો બફારો થવા લાગે

કે

બારી ને બારણાં ખૂલ્લાં મૂકી

પંખા હેઠળ સોફામાં સરવળું  વાસી અખબાર જેવો



તારી યાદ આ રહી હૈ

અને મારી જાન જઈ રહી છે

આવતી કાલે સાદરા



અમે પટેલ આમ તો પાદરાના, પણ

ઘોડી ચડીને વહુ લઈ આવીએ

સાદરાથી



સારી જાતવાન કન્યા સાથે

મેળાપ ને પછી હસ્ત મેળાપ થાય



પણ

આપણો ના થયો

મારા પિતૃદોષને લીધે



મારા પિતૃઓ નાત –જાતમાં

બહુ માને, કહે કે

અમે પંજાબથી આવીને

હવે પાછી પંજાબી છોકરીને

ઘરની વહુ તરીકે ના જ સ્વીકારીએ
વાતે વાતે હાજી કહેતી રહે તો
વસ્તાર કેટલો વધી જાય !

અમારે તો ઉહું  ઉહું નો રિવાજ , 

એટલે તારા વિરહમાં  આજે

કમોસમનો મલ્હાર ગાવા બેઠો છું
 .
ભૈરવમાં સોહિણીના  સૂર લપેટી રહ્યો છું
જમીન- આકાશ એક કરવા મથી રહ્યો છું

આજે બારી –બારણાં ઉધાડાં

રાખીને

મારા દિલમાં સો સો અરમાન

ભર્યા છે પણ

તું આવીને પહેચાન જરા જેવું

કહું કે પછી આમ ગાઉં

પણ



કાલનો જે સુરજ ઉગવાનો છે

તે

કાળોતરો થઈને

મને અહીં ડસશે, તને ત્યાં ડસશે



પણ

તેનું મારણ મળશે ખરું ?



મરણ તો હવે નિશ્ચિત છે

આપણા પ્રેમનું હવે તો



કારલી બાગના પાછલા ઝાપેથી થઈને

આપણો પ્રેમ પલ્યો

પેલા ઝૂનાં પાંજરાં પાછળ

પણ

વનરાજ જેવી આંખો બતાવતા મારા બાપા,
ચિપાઞ્જ્હી જેવી ચિચિયારી કરતા મારા કાકા,
ગાય જેમ શિંગડે લેતી મારી મમ્મી, ને
બકરી જેમ બકબક કરતી મારી બહેનો



કાલે વરધોડામાં મને

ખેંચી જશે, ને

ખંડેરાવ માર્કેટમાં શાક વેચાતી

બકાલણની જેમ બારી પાસે

ઊભી તું બિચારી

મુકેશે ગાયેલાં ગીત લતાના

અવાજમાં ગાઈને

તારી વેદના વધારતી જશે



વિમલી તારી યાદનો બરો મૂતરશે

શિયાળામાં
ને હું થરથર ધ્રુજીશ બારણે લટકાતા
ટીંકર બેલ જેવો તીણો

અને હું એક વિરહ ગીત લખીશ

તારી યાદનું – વરસોવરસ ...વરસોવરસ ...    

Saturday, 12 November 2011

જો, ફરીથી જન્મીશ હું... કાન્હા...!!!



લહેરાઉં છું હું... હવામાં લાગણીનું ગીત બની
સમાઉં છું હું... શ્વાસોમાં જીવન - સંગીત બની,

ધડકું છું હું... દિલોમાં અલબેલી "પ્રીત" બની,
પ્રગટું છું હું... અંતરમાં આતમ - દીપ બની,

વિલીન થઈશ હું... અનંતમાં સહજ સ્મિત બની,
જો, ફરીથી જન્મીશ હું... કાન્હા...!!!
તો,  હું... બસ તારી ને તારી જ "મન મીત" બની
                                    ........... "પ્રીત"

Friday, 11 November 2011

ઈશ્વર



પંડિત ને મુલ્લાની બાંગોમાં ખોવાયો છે.
ઈશ્વર ખાલી-ખોટ્ટા વાદોમાં ખોવાયો છે.

જો જૂએ તો એની અંદર પણ બેઠો છે એ;
માણસ અમથો કાશી-કાબોમાં ખોવાયો છે.

લારી ગલ્લાવાળાને પૂછશો તો મળશે નહિ;
ઊંચા ઊંચા એ પ્રાસાદોમાં ખોવાયો છે.

અખબારોમાં એનું સરનામું મળશે તમને;
હમણાં તો બસ એ જેહાદોમાં ખોવાયો છે.

શંખો, ઝાલર, નૌબતના નાદોની વચ્ચે એ;
મંદિરની  ભીડો-ભરમારોમાં ખોવાયો છે.

કથા-કિર્તનના કીડીયારાં ઉભરાણાં છે, ને;
એ ભારે-ભારે ચર્ચાઓમાં ખોવાયો છે.

ટીલાં-ટપકાં, માળા-મૂરત, પૂજા-આરત ને;
જો, લગભગ દોરા-ધાગાઓમાં ખોવાયો છે.

             -અનિરુદ્ધસિંહ ગોહિલ

Thursday, 10 November 2011

no title

એય આદમજાતથી ડરતો હશે
એટલે આકાશમાં ફરતો હશે

જાતના સર્જન થકી છેટો પડી
એય પચ્છાતાપ તો કરતો હશે
...
રોજ રાતે ચેનથી રોયા પછી
એ સવારે ભેજ થઇ ખરતો હશે

એટલો વિશ્વાસ તો કરવો ખપે
એય થાકી બે ઘડી મરતો હશે

સો ટકા નારાજ મારી આંખમાં
એ જ રાતો રંગ થૈ તરતો હશે

Wednesday, 9 November 2011

no title


પાંદડું કંઈક સંચારેથી હલ્યું ને
એક આંખની કોરેથી અશ્રુ બિન્દુ ખર્યું

નીરવતાની ગોદમાં કંઈક ભુલી જવાની શોધમાં
તાજી થઈ યાદો જરા સરખું સળવળ્યું

સરનામાની શોધમાં પહોંચ્યો
હું અંગત વાટ પર
નીકળ્યો હતો એ વન-વે એટલે મારે રોકાવું પડ્યું

ઉંબરના દ્વારે ઊભિ હોઇશ એમ માનવાને કારણ નહોતું
વિચાર માત્રે ગૂઢ મંથનમાંથી પ્રેરક બ
ઉદભવ્યું

મિલનની એ ક્ષણો તો હજી મને યાદ છે બસ ભુલી ન શક્યો
એટલે જ તો એ ઠહેરાવે મારે મુકામ થઈ રહેવું પડ્યું.
-----------shoonyavat

Tuesday, 8 November 2011

નહીં ઓળખી શકો



પડદો હટાવી દઉં તો નહીં ઓળખી શકો

નાટક બતાવી દઉં તો નહીં ઓળખી શકો

પરછાને લીધે જ પરિચય છે આપણો
સૂરજ છૂપાવી દઉં તો નહીં ઓળખી શકો

રહેવા દો કૈંક ભેદ હવે દરમિયાનમાં
ધુમ્મસ બૂઝાવી દઉં તો નહીં ઓળખી શકો

ચહેરા ઉપરના સર્વ ઉદાસીના ભાવને
ઘરમાં સજાવી દઉં તો નહીં ઓળખી શકો

ભટક્યા છો ઠેર-ઠેર તમે જેની શોધમાં
એ ચીજ લાવી દઉં તો નહીં ઓળખી શકો

- મિલિન્દ ગઢવી

Monday, 7 November 2011

ફક્ત દસ મિનિટ......એ ફોનની........!!


એકમેક સાથે
ફોન પર
ફક્ત
દસ મિનિટ
વાત કરતાં કરતાં
આપણે
એટલું એકમેકને
ઓળખીએ છીયે
જેટલું ખુદને ઓળખતા હોઇયે....!!




એકમેક સાથે
ફોન પર
ફક્ત
દસ મિનિટ
વાત કરતાં કરતાં
આપણે
એકબીજા
સાથે
જીવીયે છીયે,,,
છતાં એકબીજા વિના...!!




એકમેક સાથે
ફોન પર
ફક્ત
દસ મિનિટ
વાત કરતાં કરતાં
આપણે
ફોન પુરો થયા પછી પણ વાતો કરીયે છીયે,,,,
એકમેકનાં મનમાં..
એકબીજા સાથે....કલાકોના કલાકો સુધી.....!!




એકમેક સાથે
ફોન પર
ફક્ત
દસ મિનિટ
વાત કરતાં કરતાં
આપણે દસ મિનિટમાં
કૈ કેટલાય યુગ જીવી જઇયે છીયે,,
કોને ખબર...!!


-
નિમિશા.

Sunday, 6 November 2011

શોધમાં છે

જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.
માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.
હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.
કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.
- અનિલ ચાવડા