Pages

Friday, 11 November 2011

ઈશ્વર



પંડિત ને મુલ્લાની બાંગોમાં ખોવાયો છે.
ઈશ્વર ખાલી-ખોટ્ટા વાદોમાં ખોવાયો છે.

જો જૂએ તો એની અંદર પણ બેઠો છે એ;
માણસ અમથો કાશી-કાબોમાં ખોવાયો છે.

લારી ગલ્લાવાળાને પૂછશો તો મળશે નહિ;
ઊંચા ઊંચા એ પ્રાસાદોમાં ખોવાયો છે.

અખબારોમાં એનું સરનામું મળશે તમને;
હમણાં તો બસ એ જેહાદોમાં ખોવાયો છે.

શંખો, ઝાલર, નૌબતના નાદોની વચ્ચે એ;
મંદિરની  ભીડો-ભરમારોમાં ખોવાયો છે.

કથા-કિર્તનના કીડીયારાં ઉભરાણાં છે, ને;
એ ભારે-ભારે ચર્ચાઓમાં ખોવાયો છે.

ટીલાં-ટપકાં, માળા-મૂરત, પૂજા-આરત ને;
જો, લગભગ દોરા-ધાગાઓમાં ખોવાયો છે.

             -અનિરુદ્ધસિંહ ગોહિલ

No comments:

Post a Comment